અમદાવાદ જિલ્લામાં કુલ ૭૧૯ શતાયુ મતદારો છે જે અમદાવાદ જિલ્લાનું ગૌરવ છે. લોકશાહીના જતન માટે દરેક મતદારોને મતદાન અવશ્ય કરવા જિલ્લા કલેકટરશ્રીએ ખાસ અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી એ. મહેશ બાબુએ ઉપસ્થિત સૌ કોઇનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેઓએ આ કાર્યક્રમને એક અનોખી પહેલ ગણાવી હતી. શતાયુ મતદારોને સંબોધતા તેઓએ જણાવ્યું કે, લોકતંત્રને મજબૂત કરવામાં આયુષ્યની સદી વટાવી ચૂકેલા આ મતદાતાઓનો ખુબ જ મોટો ફાળો છે, તેઓના આશિર્વાદથી જ દેશ આગળ વધી રહ્યો છે.


શતાયુ વયોવૃધ્ધ મતદારોનો જુસ્સો અનોખો છે. મતદાન કરવું જ જોઇએ તેવી દ્દઢતા વ્યક્ત કરતા ઘાટલોડિયાના ઉમિયા બા કહે છે કે, ‘‘ ગમે તે થાય પણ મતદાન તો કરીશું...’’
ઉંમર અને અનુભવની સદી વટાવી ચુકેલા અમદાવાદ જિલ્લાના શતાયુ મતદારોનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડો.વિક્રાંત પાંડેએ સન્માન કર્યું હતું અને જણાવ્યું હતું કે ‘‘ યુવા મતદારોને આ શતાયુ મતદારો પ્રેરણારૂપ બની રહેશે. ’’ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સરહદ ઉપર સેના રક્ષા કરે છે તેમ શતાયુ મતદારો લોકશાહીની રક્ષાનું અનોખુ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.


ડૉ. વિક્રાંત પાંડેએ જણાવ્યું કે શતાયુ મતદારો લોકશાહી વ્યવસ્થાના રક્ષક છે અને યુવા પેઢીને પ્રેરણા પૂરી પાડે છે.અન્ય એક શતાયુ મતદાર જઠાર રામદાસ કહે છે કે, ‘‘ અમે અત્યાર સુધી ચૂંટણીઓમાં મતદાન કર્યું છે અને હજી પણ કરીશું.. યુવાનોએ બીજુ બધુ બાજુ પર મુકીને પણ મતદાન કરવું જ જોઇએ’’ વિરમગામથી આવેલા શતાયુ મતદાર એક બા એ તો વ્હીલચેરમાં બેસવાની દિકરાની વિનંતીને ઠુકરાવીને કહી દીધું કે, ‘‘ મારો હાથ મેલી દે, હુ હજી હેંડી(ચાલી) શકું છું. મારે આ ઠેલણ ખુરશી (વ્હીલચેર)ની જરૂર નથી. ’

આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર શ્રી મેહુલ દવે, અધિક ચૂંટણી અધિકારી શ્રી ચેતન ગાંધી તથા શ્રી મિતેષ પંડ્યા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર.સી.પટેલ અને રેડિયો બ્રાન્ડ એમ્બેસેડર આર.જે જે હર્ષિલ ઉપસ્થિત રહ્યા હતા.

 

0
0
0
s2sdefault