પહેલી ઓક્ટોબરથી રાજ્યભરમાં હવે વાહન ર‌િજસ્ટ્રેશન બુક અને લાઇસન્સ એકસરખાં રહેશે એટલું જ નહીં, પરંતુ કાર્ડ કે આધારકાર્ડની જેમ દેશભરમાં આરસી બુક અને લાઇસન્સ એકસરખાં રહેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન વિભાગ દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકારને પણ આ બાબતના અમલ અંગેની સૂચના આપી દેવામાં આવી છે.

દેશભરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન બુકમાં એકરૂપતા લાવવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. હાલમાં દરેક રાજ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન બુક જુદા જુદા આકાર-રંગ અને ડિઝાઇન ધરાવે છે. નવી વ્યવસ્થા કેન્દ્ર સરકારના આદેશ મુજબ પહેલી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. નવી વ્યવસ્થા પ્રમાણે દરેક રાજ્યમાં એક જ સરખાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન બુક બનશે.

તેથી આગામી સમયમાં નવાં વાહનોનાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન બુક નવા રંગ અને આકાર-ડિઝાઇનનાં જોવાં મળશે.નવી આરસી બુકમાં વાહનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઇની વિગતો દર્શાવેલી હશે. માલિકનું નામ-સરનામું, નંબર અને ચેસીસ નંબર દર્શાવેલા હશે. પાછળની બાજુમાં ઇમર્જન્સી મોબાઈલ નંબર પણ દર્શાવેલો હશે. જ્યારે લાઈસન્સમાં આગળની બાજુ ફોટાની જગ્યા, બાજુમાં નામ-સરનામું, જન્મ તારીખ અને બ્લડ ગ્રૂપ લખેલું હશે, ઓર્ગન ડોનર છે કે કેમ તે દર્શાવેલું હશે. કાર્ડની પાછળ ક્યૂઆર કોડ દર્શાવશે, જે સ્કેન કરતાં જ લાઇસન્સધારકની તમામ માહિતી મળી જશે, પહેલી વખત લાઇસન્સ ક્યારે ઈશ્યૂ થયું તેની વિગતો પણ હશે. લાઇસન્સની સમયમર્યાદા અને અન્ય વિગતો લખેલી હશે તેમજ ઇમર્જન્સી મોબાઈલ નંબર લખેલો હશે.

 

0
0
0
s2sdefault