ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં આવતી કાલે બપોરે ૧.૩૦ વાગ્યે બીજી વન ડે રમાશે. પ્રથમ વન ડે છ વિકેટે હારી ચૂકેલી ઓસ્ટ્રેલિયાની ટીમની મુશ્કેલીઓ બીજી મેચમાં એટલા માટે વધી જશે, કારણ કે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન (વીસીએ) સ્ટેડિયમમાં તેમનો ભારત સામેનો રેકોર્ડ બહુ જ ખરાબ છે. કાંગારુંઓ આ મેદાન પર ભારતને એક પણ વાર હરાવી શક્યાં નથી.

પાંચ મેચની પ્રથમ મેચમાં એરોન ફિંચની ટીમે સંઘર્ષ કર્યો હતો. ૨૩૬ રનનો બચાવ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે ૯૯ રનના કુલ સ્કોર પર ભારતની ચાર વિકેટ ઝડપી લીધી હતી. એ સ્થિતિમાં મહેન્દ્રસિંહ ધોનીને કેદાર જાધવનો સાથ મળ્યો અને બંનેએ પાંચમી વિકેટ માટે ૧૪૧ રનની અણનમ ભાગીદારી નોંધાવી ભારતને જીત અપાવી હતી.

નાગપુરના વીસીએ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ વન ડે મેચ રમાઈ છે અને ત્રણેય વાર ઓસ્ટ્રેલિયાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે ૨૩ ઓક્ટોબર, ૨૦૦૯ના રોજ કાંગારું ટીમને ૯૯ રનથી હરાવી હતી. ત્યા બાદ ટીમ ઇન્ડિયાએ ૩૦ ઓક્ટ્ોબર, ૨૦૧૩ના રોજ ઓસ્ટ્રેલિયાને છ વિકેટે પરાજય આપ્યો હતો. વિરાટ કોહલીની સેનાએ ૧ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે શિકસ્ત આપીને વીસીએ મેદાન પર જીતની હેટટ્રિકટ લગાવી હતી.

ભારતીય ટીમ આ મેદાન પર કુલ પાંચ વન ડે મેચ રમી ચૂકી છે, જેમાં ત્રણ વિજય અને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે આ મેદાન પર શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામેની મેચ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર એક વાર ન્યૂઝીલેન્ડનો સામનો કર્યો હતો અને ૨૦૧૧ વિશ્વકપની એ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું.

આ મેદાન પર આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મહેન્દ્રસિંહ ધોનીના નામે નોંધાયેલોછે. ધોનીએ અહીં પાંચ મેચમાં ૧૩૪ની સરેરાશથી ૨૬૮ રન બનાવ્યા છે, જેમાં બે સદી સામેલ છે. વિરાટ નાગપુરના આ મેદાનમાં ચાર મેચમાં ૬૯.૬૬ની સરેરાશથી ૨૦૯ રન બનાવી ચૂક્યો છે. રોહિત શર્મા બે મેચમાં ૧૦૨ રનની સરેરાશથી ૨૦૪ રન બનાવી ચૂક્યો છે.

 

0
0
0
s2sdefault