ભારતીય સેનાનાં પરાક્રમ, બલિદાન અને સાહસનું સન્માન કરતાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ગઈ કાલે ત્રીજી વન ડેમાં આર્મી કેપ પહેરીને રમી હતી. બીસીસીઆઇએ પહેલ કરી છે કે ઓસ્ટ્રેલિયાના 'પિન્ક ટેસ્ટ' અને દક્ષિણ આફ્રિકાના 'પિન્ક વન ડે'ની જેમ હવે ટીમ ઇન્ડિયા દર વર્ષે એક મેચ આર્મી કેપ સાથે રમશે. BCCIની આ પહેલની શરૂઆત ગઈ કાલે રાંચી વન ડેથી થઈ ચૂકી છે.

ગઈ કાલે આ કેપ મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સોંપી હતી. ઉલ્લેખનીય છે કે ધોની ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ પદવી ધરાવે છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય સેનાના પરાક્રમ, બલિદાન અને સાહસનું સન્માન કરવા માટે આ પહેલ કરી છે. ઓસ્ટ્રેલિયાના 'પિન્ક ટેસ્ટ' અને દક્ષિણ આફ્રિકાના 'પિન્ક વન ડે'ની જેમ હવે ટીમ ઈન્ડિયા દર વર્ષે એક મેચ આર્મી કેપ પહેરીને રમશે એવો નિર્ણય કરાયો છે. BCCIનો હેતુ સેનાનું સન્માન અને તેના દ્વારા આપવામાં આવેલા બલિદાનને શ્રદ્ધાંજલિ આપવાનો છે.

મહેન્દ્રસિંહ ધોની અને ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીએ BCCIને આ આઇડિયા આપ્યો હતો. ઘરેલુ મેદાન પર રમી રહેલા એમ. એસ. ધોનીએ સૌથી પહેલાં આ આર્મીકેપ કેપ્ટન વિરાટ કોહલી અને પછી વાઈસ કેપ્ટન રોહિત શર્માને સોંપી હતી. કેદાર જાધવે કેપ પહેર્યા બાદ લેફ્ટનન્ટ કર્નલ ધોનીને સેલ્યુટ પણ કરી હતી.

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે ધોનીનો સેના પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. એ વાત સારી છે કે આ વાર્ષિક કાર્યક્રમની શરૂઆત લેફ્ટનન્ટ કર્નલ ધોનીના ગૃહનગરથી કરવામાં આવી છે, કેમ કે આ માત્ર દેખાડા માટે કરાયું નથી. ભારતીય કોમેન્ટેટરોએ પણ આર્મી કેપ પહેરીને કોમેન્ટરી કરી હતી. ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે તમામ ભૂતપૂર્વ ક્રિકેટરોને આ કેપ સોંપી હતી. સૂત્રોએ જણાવ્યું કે ધોની અને કોહલી આ અભિયાન માટે રમતગમતનાં સાધનો બનાવતી કંપની નાઈકી સાથે મળીને છ મહિનાથી કામ કરી રહ્યા હતા.

0
0
0
s2sdefault