શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે ચોથા વનડે મેચમાં સદી ફટકારીને ટીકા કરનારાઓની બોલતી જ બંધ નથી કરી પરંતુ કેટલીક ઉપલબ્ધીઓ પણ તેના નામ કરી છે. શિખરે મોહાલી વનડેમાં 115 બોલમાં 143 રનોની શાનદાર ઈનિંગ્સ રમી છે. ધવને લગભગ છ મહિના અને 17 વનડે ઈનિંગ્સ બાદ સદી ફટકારી છે. શિખરે છેલ્લી પાંચ ઈનિંગ્સમાં અનુક્રમે 13,6,0,21,1 રન બનાવ્યા હતા. તેથી ટીમમાં તેની જગ્યાને લઈને પણ કેટલાક સવાલો ઉભા થયા હતા. પરંતુ આ વખતે ધવને તેના બેટથી ટીકાકારોને જવાબ આપ્યો છે. શિખરે તેની આ ઈનિંગ્સ દરમિયાન લગભગ 5 રેકોર્ડ બનાવ્યા છે.

શિખરે તેના વનડે ક્રિકેટ કરિયરમાં 16મી સદી ફટકારી છે. આ સાથે તેને સૌથી વધુ સદીના મામલે વીરેન્દ્ર સહવાગ અને પાકિસ્તાનના મોહમ્મદ યૂસુફને પાછળ મૂકી દીધા છે. આ સાથે શિખર ધવને મોહાલી મેચમાં સદી ફટકારી લિસ્ટ એમાં 10 હજાર રન પૂરા કર્યા છે. લિસ્ટ એમાં આંતરરાષ્ટ્રીય અને ઘરેલું વનડે(50 ઓવરના મેચ) બન્ને સામેલ છે. તમને બતાવી દઈએ કે ધવને 127 વનડે મેચ(આંતરરાષ્ટ્રીય)માં 5343 રન બનાવ્યા છે. જેમાં 16 શતક અને 27 અડધી સદી છે.

આ ઈનિંગ્સ સાથે ધવને તેના સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ પણ તોડી દીધો છે. ધવને આ પહેલા 2015માં શ્રીલંકા સામે 137 રન બનાવ્યા હતા. ઉપરાંત આ મેચ દરમિયાન શિખરે રોહિત શર્મા સાથે 193 રનની ભાગેદારી કરી છે જે ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ભારતની સૌથી મોટી ઓપનિંગ ભાગેદારી છે. આ પહેલા પણ શિખર અને રોહિત વચ્ચે 2013માં નાગપુર ખાતે ઓસ્ટ્રેલિયા સામે 178 રનની ભાગેદારી નોંધાઈ હતી.

રોહિત અને ધવનની જોડીએ 4571 રન બનાવ્યા છે આ સાથે ભારતની બીજી સૌથી સફળ જોડી બની છે. શિખર-રોહિતની જોડીએ સચિન-સહેવાગની જોડીને પાછળ મૂકી દીધી છે. સચિન-સહેવાગની જોડીએ 4387 રનની ભાગેદારી કરી હતી. જ્યારે સૌથી વધુ સચિન તેન્ડુલકર અને સૌરવ ગાંગુલીના નામે છે જેમને 8227 રન બનાવ્યા છે.

0
0
0
s2sdefault